સામાન્ય વહીવટ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (૧) પરના ઠરવથી નોવેલ કોરોના વાયરસ(Covid-19) નાં સંક્રમણને કારણે રાજ્યમાં ઉત્પન્ન થયેલ પરિસ્થિતિને ધ્યાને લઈ, રાજ્ય સરકારની સેવાના કોઈપણ કર્મચારી / પંચાયત સેવા તેમજ મહાનગરપાલિકા / નગરપાલિકાના કર્મચારી / અધિકારી જે કોરોના વાયરસ(Covid-19)ની કામગીરી સાથે સંકળાયેલ હોય અને ફરજનાં ભાગરૂપે કોરોના અસરગ્રસ્ત થવાથી Covid-19 ના કારણે અવસાન પામે તો તેવા કર્મચારીનાં કિસ્સામાં તેઓનાં આશ્રિત કુટુંબને રૂ.25,00,000/- (અંકે રૂપિયા પચીસ લાખ પુરા) ની સહાય આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. આ ઠરાવ અન્વયે મળવાપાત્ર સહાયની સંપુર્ણ રકમ માટે સંબંધિત વહીવટી વિભાગે નાણા વિભાગના પરામર્શમાં કાર્યવાહી કરવાની રહેશે તેમ જણાવવામાં આવેલ છે.
ત્યારબાદ મહેસૂલ વિભાગના ઉક્ત વંચાણે લીધેલ ક્રમ (ર) પરના ઠરાવથી રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (COVID-19) ના સંક્રમણને કારણે કર્મચારી/અધિકારીનાં દુઃખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ.25,00,000/- (અંકે રૂપિયા પચીસ લાખ પુરા)ની સહાય માન.મુખ્ય મંત્રીશ્રીના રાહત નિધિમાંથી ચુકવવાનું ઠરાવેલ હોઇ, હવે પછી આર્થિક સહાય માટે મળતી દરખાસ્તો પરત્વે નાણા વિભાગનો પરામર્શ કરવો વહીવટી દ્રષ્ટિએ ઉચિત જણાતો નથી.
તદુપરાંત, સામાન્ય વહીવટ વિભાગના તા.૦૮/૦૪/૨૦૨૦ ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાયની દરખાસ્તો સંદર્ભે જરૂરી વિગતો અંગેનું નમૂનારૂપ ચેકલીસ્ટ પ્રસિદ્ધ કરવાની બાબત પણ સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. આથી પુખ્ત વિચારણાને અંતે સરકારશ્રી દ્વારા નીચે મુજબની સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
➡ ઠરાવ
- સામાન્ય વહીવટ વિભાગના તા. 08/04/2020 ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો પરત્વે હવેથી નાણા વિભાગનો પરામર્શ કરવાનો રહેશે નહિ, પરંતુ સંબંધિત વહીવટી વિભાગના વડાને આ સત્તાઓ રહેશે અને તેમણે આ સાથે સામેલ ચેકલીસ્ટને આધિન નિર્ણય કરવાનો રહેશે.
- સામાન્ય વહીવટ વિભાગના તા. 08/04/2020 ના ઠરાવ અન્વયે સચિવાલયના સંબંધિત વહીવટી વિભાગોને મળતી આર્થિક સહાય અંગેની દરખાસ્તો, આનુષાંગિક કાગળો અને આ દરખાસ્તોની ચકાસણી તેમજ નિર્ણય માટે જરૂરી એવી તમામ વિગતો આ સાથે સામેલ પરિશિષ્ટ મુજબના ચેકલીસ્ટમાં મેળવી વિભાગે કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.
- આ સુચનાઓના અર્થઘટન અંગે જરૂરીયાત જણાયે સંબંધિત વહીવટી વિભાગે સામાન્ય વહીવટ વિભાગનો પરામર્શ કરવાનો રહેશે.
- સામાન્ય વહીવટ વિભાગના તા. 08/04/2020 ના ઠરાવની અન્ય તમામ જોગવાઈઓ/શરતો યથાવત રહેશે.
આ સૂચનાઓ આ વિભાગની સરખા ક્ર્માંકની ફાઈલ પર સરકારશ્રીની મળેલ મંજૂરી અન્વયે પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ફરજ દરમિયાન કોવીડ-૧૯ થી સંક્રમિત થયેલા કર્મચારીઓ / અધિકારીઓના દુ:ખદ અવસાનના કિસ્સામાં તેઓના આશ્રિત કુટુંબને રૂ. 25 લાખની સહાય આપવા બાબત.
સામાન્ય વહીવટ વિભાગ, ગુજરાત સરકારનો તારીખ:- 03/08/2021 નો પરિપત્ર અને ચેકલીસ્ટ
0 Comments