માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ, ૨૦૦૫.
ક્રમાંક. જીએસ-૩૦-૨૦૦૫-વીએચએસ-૧૦૦૫-૨૬૬૪-આરટીઆઈ સેલ :- માહિતીના અધિકાર બાબતના અધિનિયમ, ૨૦૦૫ (સન ૨૦૦૫ના ૨૨મા) ની કલમ ૨૭થી મળેલી સત્તાની રૂએ, ગુજરાત સરકાર, આથી, નીચેના નિયમો કરે છે :-૧. ટૂંકી સંજ્ઞા અને આરંભ.- (૧) આ નિયમો ગુજરાત માહિતીના અધિકાર બાબતના નિયમો, ૨૦૦૫ કહેવાશે. (૨) તે સન ૨૦૦૫ના ઓક્ટોબર મહિનાની ૧૨મી તારીખે અમલમાં આવશે.
૨. વ્યાખ્યા.- (૧) આ નિયમોમાં, સંદર્ભથી અન્યથા અપેક્ષિત હોય તે સિવાય,- (ક) 'અધિનિયમ' એટલે માહિતીના અધિકાર બાબતનો અધિનિયમ, ૨૦૦૫; (ખ) 'આયોગ' એટલે અધિનિયમની કલમ ૧૫ હેઠળ રચાયેલું રાજ્ય માહિતી આયોગ; (ગ) 'નમૂનો' એટલે આ નિયમો સાથે જોડેલો નમૂનો; (ધ) 'ફી' એટલે નિયમ ૫ હેઠળ ઠરાવેલી ફી.
(૨) આ નિયમોમાં વપરાયેલા પરંતુ વ્યાખ્યા ન કરેલા શબ્દો અને શબ્દપ્રયોગોનો, અધિનિયમમાં તેમનો જે અર્થ આપેલો છે તે જ થશે.
૩. માહિતી મેળવવા માટેની અરજી.- (૧) માહિતી મેળવવા માંગતી વ્યક્તિએ નિયમ ૫માં હેઠળ ઠરાવેલી ફી સાથે નમૂના ક્રમાં અથવા ઈ-મીડિયા (ઈલેક્ટ્રોનિક સંદેશાવ્યવહાર માધ્યમ) મારફત જાહેર માહિતી અધિકારીને અરજી કરવી જોઈશે અને અરજીની પહોંચ અરજદારને નમૂના ખમાં આપવામાં આવશે. ફી, રોકડમાં ભરવાની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં રોકડમાં અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પે ઓર્ડર અથવા નોન જ્યુડિશિયલ સ્ટેમ્પ દ્વારા ભરી શકાશે.
(૨) (૧) અરજદારને નિયમ ૫ના પેટા-નિયમ (૧) ના ખંડ (ક) હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણેની ફી ભરવા ફરમાવવું જોઈશે : પરંતુ ઈ-મીડિયા મારફત અરજી કરતી વ્યક્તિએ અરજીની તારીખથી સાત દિવસની અંદર ફી ભરવી જોઈશે, જેમાં ચૂક કર્યે અરજી પાછી ખેંચી લીધેલી ગણાશે.
(૨) જાહેર માહિતી અધિકારીએ અરજદારને નિયમ ૫ના પેટા-નિયમ (૧) ના ખંડ (ખ) હેઠળ જોગવાઈ કર્યા પ્રમાણે ભરવાની બીજી ફી અને ચાર્જ સંબંધી માહિતી આપવી જોઈશે : પરંતુ ગરીબી રેખા હેઠળના કુટુંબની વ્યક્તિ, “ગરીબી રેખા હેઠળના કુટુંબ” ના કાર્ડની પ્રમાણિત નકલ અથવા સંબંધિત સત્તાધિકારીએ તે અર્થે કાઢી આપેલું પ્રમાણપત્ર અરજીની સાથે જોડે તો એવી વ્યક્તિએ કોઈ ફી અને ચાર્જ ભરવાના થશે નહિ.
(૩) નિયમ ૫ના પેટા-નિયમ (૧) ના ખંડ (ખ) હેઠળ ભરવાની ફી અને ચાર્જ, રોકડમાં ભરવાની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં રોકડમાં અથવા ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા પે-ઓર્ડર દ્વારા ભરી શકાશે.
૪. અરજીનો નિકાલ.- (૧) જાહેર માહિતી અધિકારીએ અરજદારે માગેલી માહિતી, તેની વિનંતી મળ્યાથી ત્રીસ દિવસની અંદર નમૂના ઘ માં પૂરી પાડવી જોઈશે અથવા અધિનિયમની કલમો ૮ અને ૯ની જોગવાઈઓને ધ્યાનમાં લઈને અરજદારને તેની અરજીના અસ્વીકાર અંગે નમૂના છ માં જાણ કરવી જોઈશે;
(૨) માંગેલી માહિતી જે જાહેર માહિતી અધિકારીને અરજી કરવામાં આવી હોય તેની હકૂમતમાં આવતી ન હોય, ત્યારે તેવા કિસ્સામાં તેણે અરજી મળ્યાના પાંચ દિવસની અંદર એવી અરજી નમૂના 'ચ' માં સંબંધિત જાહેર માહિતી અધિકારીને તબદીલ કરવી જોઈશે અને અરજદારને એવી તબદીલીની જાણ તાત્કાલિક કરવી જોઈશે :
પરંતુ માંગેલી માહિતી કોઈ વ્યક્તિના જીવન અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય, ત્યારે જાહેર માહિતી અધિકારીએ આવી વિનંતી અથવા અરજી મળ્યાથી અડતાલીસ કલાકની અંદર એવી માહિતી પૂરી પાડવી જોઈશે.
૫. ફીના દર.- (૧) જરૂરી માહિતી અને દસ્તાવેજો મેળવવા માટેની ફી ના દર અને બીજા ચાર્જ નીચે પ્રમાણે રહેશે (ક) અરજી ફી :- અરજી દીઠ રૂા. ૨૦ (ખ) બીજી ફી અને ચાર્જ
૬. અપીલ.- (૧) જાહેર માહિતી અધિકારીના નમૂના ઘ અથવા નમૂના છ માંના નિર્ણયથી નારાજ થયેલી અથવા યથાપ્રસંગ, જેને કોઈ નિર્ણય ન મળ્યો હોય તેવી કોઈપણ વ્યક્તિ, તેને એવો નિર્ણય મળ્યાની અથવા ન મળ્યાની તારીખથી ત્રીસ દિવસની અંદર સરકારે આ અર્થે નીમેલા અપીલ સત્તાધિકારીને નમૂના જ માં અપીલ કરી શકશે.
(૨) પેટા-નિયમ (૧) હેઠળ અપીલ સત્તાધિકારીના હુકમથી નારાજ થયેલ અરજદાર, અપીલ સત્તાધિકારીનો હુકમ મળ્યાની તારીખથી નેવુ દિવસની અંદર રાજ્ય માહિતી આયોગને નીચેની વિગતો જણાવતી બીજી અપીલ કરી શકશે:
(૧) અરજદારનું નામ અને સરનામું; (૨) જાહેર માહિતી અધિકારીનું નામ અને કચેરીનું સરનામું; (૩) જેની સામે બીજી અપીલ કરી હોય તે હુકમનો નંબર (ક્રમાંક), તારીખ અને વિગતો;
(૪) બીજી અપીલ અંગેની સંક્ષિપ્ત હકીકતો; (૫) અપીલ માટેના આધારો; (૬) અપીલ કરનાર દ્વારા કરાયેલ ખરાઈ; (૭) અપીલનો નિર્ણય કરવા માટે આયોગ જરૂરી ગણે તેવી કોઈ માહિતી.
(૩) આયોગને કરાતી દરેક અપીલ સાથે નીચેના દસ્તાવેજો જોડવા જોઈશે : (૧) જેની સામે બીજી અપીલ કરી હોય તે હુકમની પ્રમાણિત નકલ. (૨) અપીલ કરનારે ઉલ્લેખેલા અને આધાર તરીકે રાખેલા દસ્તાવેજોની નકલો અને તેની યાદી.
(૪) અપીલનો નિર્ણય કરતી વખતે, આયોગ,- (૧) પ્રતિજ્ઞા ઉપર અથવા સોગંદ ઉપર મૌખિક અથવા લેખિત પુરાવા લઈ શકશે; (૨) રેકોર્ડનું મૂલ્યાંકન કરી શકશે; (૩) અધિકૃત અધિકારી દ્વારા વધુ વિગતો અથવા સત્યતાની તપાસ કરી શકશે; (૪) જાહેર માહિતી અધિકારી અથવા પ્રથમ અપીલની સુનાવણી કરી હોય તે અપીલ સત્તાધિકારીને બોલાવી શકશે; (૫) ત્રાહિત પક્ષકારની સુનાવણી કરી શકશે; અને (૬) જાહેર માહિતી અધિકારી અથવા પ્રથમ અપીલની સુનાવણી કરી હોય તે અપીલ સત્તાધિકારી પાસેથી જરૂરી પુરાવા મેળવી શકશે.
(૫) આયોગ, નીચેની પૈકી કોઈપણ એક રીતે નોટિસ બજાવશે :- (૧) પક્ષકાર દ્વારા જાતે જ બજવણીથી; (૨) રૂબરૂ; (૩) સ્વીકૃતિની પહોંચ બાકી રાખીને રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા ; (૪) વિભાગના વડા અથવા તેના તાબાની કચેરી દ્વારા .
(૬) આયોગ અપીલના પક્ષકારોની સુનાવણી કર્યા પછી, જાહેર કાર્યવાહી દ્વારા પોતાનો નિર્ણય જણાવશે અને તે મતલબનો લેખિત હુકમ કરશે જે રજિસ્ટ્રાર અથવા આયોગ આ અર્થે અધિકૃત કરે તેવા અધિકારી દ્વારા પ્રાધિકૃત કરવામાં આવશે.
૭. રેકોર્ડની જાળવણી- (૧) જાહેર માહિતી અધિકારીએ માહિતી મેળવવા માટે તેને મળેલી અરજીઓ અને માહિતી આપવા માટે વસૂલ કરેલી ફી સંબંધી રેકોર્ડ જાળવવું જોઈશે.
(૨) રાજ્ય માહિતી આયોગે મળેલી અને નિકાલ કરેલી તમામ અપીલો સંબંધી રેકોર્ડ જાળવવું જોઈશે.
૮. પ્રકીર્ણ.-
કોઈપણ શંકાના નિવારણ માટે આથી, એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે આ નિયમો હેઠળ ઠરાવેલા નમૂના અધિકૃત પૂર્વમુદ્રિત લખાણમાં હોવા જરૂરી નથી, પરંતુ નમૂનામાં ઠરાવેલી જરૂરી વિગતો આવરી લેતાં સ્વચ્છ રીતે ટાઈપ કરેલા, હસ્તલિખિત અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાંના નમૂના માન્ય ગણાશે.
મદદનીશ કેળવણી નિરીક્ષક નો અભ્યાસક્રમ અને પરિપત્ર ડાઉનલોડ કરો.
મૂળભૂત અધિકારો અને ફરજો ની ઓનલાઈન ટેસ્ટ આપવા આપો.



0 Comments